ગાંધીનગર ખાતે વિવિધ સંસ્થાઓની શૈક્ષણિક મુલાકાત

માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા ગાંધીનગર ખાતે વિવિધ સંસ્થાઓની શૈક્ષણિક મુલાકાત 

માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા તા. ૦૫/૧૧/૨૦૨૫ના રોજ માનવ અધિકારોના સંરક્ષણ, સંવર્ધન તથા કાયદાકીય સંશોધન ક્ષેત્રે કાર્યરત વિવિધ રાજ્યસ્તરીય સંસ્થાઓની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને સંશોધકોને માનવ અધિકારોના સંરક્ષણ માટે કાર્યરત સંસ્થાઓની કામગીરીથી પરિચિત કરાવવાનો તેમજ શૈક્ષણિક અને સંશોધનાત્મક સહયોગને પ્રોત્સાહન આપવાનો હતો.

મુલાકાત અંતર્ગત પ્રતિનિધિમંડળે ગુજરાત વિધાનસભાની મુલાકાત લઈ રાજ્યની લોકશાહી વ્યવસ્થા, વિધાન પ્રક્રિયા અને ધારાસભાની કામગીરી અંગે માહિતગાર થવાનો અવસર પ્રાપ્ત કર્યો.

ત્યારબાદ પ્રતિનિધિમંડળે ગુજરાત રાજ્ય મહિલા આયોગ, ગાંધીનગરની મુલાકાત લીધી, જ્યાં આયોગના માનનીય સભ્યશ્રી ધવલ શાહ સાથે મહિલાઓના બંધારણીય અને કાયદાકીય અધિકારો, મહિલા સશક્તિકરણ, મહિલા સુરક્ષા તથા કાનૂની સંશોધનના વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. મુલાકાત દરમિયાન મહિલા આયોગની કામગીરી, ફરિયાદ નિવારણ પ્રક્રિયા તથા મહિલાઓના અધિકારોના સંરક્ષણ માટે કરવામાં આવતા પ્રયાસોની વિગતવાર માહિતી પ્રાપ્ત થઈ.

ઉપરાંત પ્રતિનિધિમંડળે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ, ગાંધીનગરની મુલાકાત લીધી, જ્યાં આયોગના માનનીય અધ્યક્ષશ્રી જસ્ટિસ ડૉ. કે. જે. ઠાકર, માનનીય સભ્યશ્રી બી. એસ. ઉપાધ્યાય તથા રજીસ્ટ્રારશ્રી ટી. વી. જોષી સાથે માનવ અધિકારોના સંરક્ષણ, વર્તમાન પડકારો, કાયદાકીય સંશોધન અને શૈક્ષણિક સહયોગ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. મુલાકાત દરમિયાન આયોગની કામગીરી, ફરિયાદોના નિરાકરણની પ્રક્રિયા તેમજ માનવ અધિકારોના સંવર્ધન માટે હાથ ધરવામાં આવતા વિવિધ કાર્યક્રમોની ઉપયોગી માહિતી પણ પ્રાપ્ત થઈ.

શૈક્ષણિક મુલાકાતમાં વિભાગના વડા ડૉ. ભગીરથસિંહ એન. માંજરીયા તથા  ડૉ. સાગર અમીપરા, ડૉ. હિરેન ચગ, ડૉ. શૈલેષ સાવલીયા, ડૉ. નિરજ ગોસાઈ, પીએચ.ડી. સાંસોધક  હિતેષ સાકરીયા, ચિરાગ ચાવડીયા, મનસુખ ડોડીયા તેમજ ચિંતન શકોરીયા ઉપસ્થિત રહ્યા હતા.

પ્રકારની શૈક્ષણિક મુલાકાતો દ્વારા વિદ્યાર્થીઓ અને સંશોધકોને માનવ અધિકારોના ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓની વ્યવહારિક કાર્યપદ્ધતિને નજીકથી સમજવાની તક પ્રાપ્ત થાય છે, તેમજ શૈક્ષણિક અભ્યાસ અને વ્યવહારુ જ્ઞાન વચ્ચે અસરકારક સમન્વય સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન મળે છે.


Published by: Department of Human Rights and International Humanitarian Laws

05-11-2025